ગઝલ:- નહિ શકો
જે કહો સીધું કહો, વાતો ફરાવી નહિ શકો,
હોઠથી નિકળ્યા જે શબ્દો, એ વળાવી નહિ શકો.
બાળશે શું એ મને? જીવંત છે ખાલી બદન!
રાખ થઇ છે ભીતરે,એને જલાવી નહિ શકો.
એમ હંફાવી શકે છે, કેટલા તડકા મને,
જાત પર આવી જશું તો કંઇ હરાવી નહિ શકો.
છે નિખાલસ આ સબંધો આપણી વચ્ચે હજી,
જો અહમ આવી જશે, હ્રદયે લગાવી નહિ શકો.
બોલ ના કંઇ! મૌન ઉત્તર છે દલીલોનાં 'ક્ષિતિજ',
ઉત્તરો વળશે તો શબ્દોથી ગજાવી નહિ શકો.