કોઈના દુખ જોઈ દુઃખી થાય છે, માણસ હોવો જોઈએ,
કોઈની પીડા એ પીગળી જાય છે, માણસ હોવો જોઈએ.
અણી ના સમયે, આઘા પાછા થઈ જતા હોય છે, આપણા!
એકસોઆઠ પહેલા આવી જાય છે, માણસ હોવો જોઈએ.
પોતાના હતા એ તો, પીઠ બતાવી ને થાય છે ચાલતા અહી,
હું, છું ને! કહી હાથ થામી જાય છે, માણસ હોવો જોઈએ.
દુનિયા એ જેને, ઠોકર મારી ફેકી દીધા છે, બારણાં બાર,
એવા ગાંડા ને ગળે લગાડી જાય છે, માણસ હોવો જોઈએ.
સગી માના અવસાન પર આંસુ સારતા અચકાય છે લોકો,
અવર ના આંસુ જોઈ, રડી જાય છે,માણસ હોવો જોઈએ.
આપડે શું? કહી આંખો બંધ કરી લેતા હોય છે આપ્તજનો!
અડધી રાતે આવી ઊભો રહી જાય છે, માણસ હોવો જોઈએ,
શબ ને સ્મશાને છોડી ને ચાલ્યા ગયા હતા સ્વાર્થના સગાઓ,
અજાણી લાશોને અવલ મંઝિલે પહોંચાડતો માણસ હોવો જોઈએ.
©JP Chudasama
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here